પાપા, આ ચું ચે?

હું ઓફીસથી આવીને ડ્રોઈંગ રૂમમાં ટીવી જોતો હતો, અને મારી પત્ની રસોડામાં રસોઈ કરી રહી હતી. મારી દોઢ વર્ષની દીકરી તેના રમકડાં સાથે રમી રહી હતી. હું ટીવી પર કોઈક સારો કાર્યક્રમ શોધવાની પેરવીમાં હતો કે અચાનક મારી પુત્રી મને પૂછી બેઠી,
“પાપા આ શું છે?” હું અવાચક થઈ ગયો. અમે તેને શીખવતા હતા કે આને હાથ કહેવાય, આને પગ કહેવાય, કે હાર્દીની આંખો ક્યાં છે ને હાર્દીના કાન ક્યાં છે, વગેરે વગેરે અને તે અમને ઈશારાથી જવાબ આપતી. પણ આમ તેના મોઢે પહેલી વાર આવો પ્રશ્ન સાંભળ્યો, મારી પત્ની ખુશ થતી રસોડામાં થી ત્યાં આવી ઉભી અને ખેલ જોઈ રહી.
મેં તેને જવાબ આપ્યો, “બેટા એને હાથ કહેવાય”. ફરી તે જ પ્રશ્ન, “પાપા આ શું છે?”
અને મેં ફરી એ જ જવાબ આપ્યો “આ હાથ છે.” મને તેના હાવભાવ જોવાની મજા આવવા લાગી.
તેને કદાચ સંતોષ નહીં થયો હોય એટલે તેણે પાછું ફેરવ્યું
“પાપા, આને હાથ કહેવાય?” એને એમ કે આમાં એવુ તો શું છે કે આને હાથ કહેવો પડે?
ડોકીને ઉંચી નીચી કરી, ઝાટકો મારી આવા પ્રશ્નો પૂછવાની તેની આવડત પહેલી વાર જોઈ રહેલા અમે તેના જવાબો આપવા તત્પર હતા.
“હા આને હાથ કહેવાય……”
થોડા સમય પછી ફરી “પપ્પા આ શું છે?”,
મેં જવાબ આપ્યો “આને રીમોટ કહેવાય”,
તો તે ફરી પૂછે “મીમોટ કહેવાય?”
“હા દીકરા” મેં કહ્યું.
જમતી વખતે “પપ્પા આ શું છે?”
“બેટા આ રોટલી કહેવાય”
“રોતલી?”
“હા રોટલી” તેની મમ્મી એ જવાબ આપ્યો. અને તેને ખવડાવવાનો પ્રયત્ન પાછો શરૂ કર્યો.
એકવાર મકોડાને પકડીને પૂછે “પપ્પા આ શું છે?”
તેની મમ્મી તેને ખીજાઈ ને કહે “ફેંકી દે …. મકોડાને ફેંકી દે…”
“આને મતોદો કહેવાય?”
તેની મમ્મીએ તેના હાથમાંથી મકોડો મુક્ત કરાવ્યો…
સમયની સાથે હવે તેના “આ શું છે” એવી રીતે ફૂટવા માંડ્યા જાણે મશીનગન ની ગોળીઓ….નાના બાળક માટે તો આ શું છે પૂછવા જગતમાં એટલી બધી વસ્તુ છે કે પાર ન મળે, એટલે હવે આ રોજની આદતથી અમે કંટાળવા માંડ્યા, શરૂઆતની મજા હવે કંટાળાનું સ્વરૂપ લેવા લાગી અને પ્રેમ ભર્યા જવાબો તેને ટાળવા માટેના રસ્તા બનતા ગયા. ટીવી, કાંસકો, મારૂ આઈડી કાર્ડ, બાઈક, ગાય, ગેસ સ્ટવ, બીજા નાના બાળક, કોલ્ડડ્રીંક્સની બોટલ, નાસ્તો કે કચરો, તેના આ શું છે સર્વત્ર વ્યાપી રહ્યા.
એક દિવસ મહેમાન આવ્યા હતા, ચા બની રહી હતી અને અમે વાતોમાં મશગૂલ હતાં. મારી પત્ની ચાની પ્લેટ લઈને આવતી હતી કે તે વચ્ચે આવી અને તેની આદત મુજબ દોડીને મારી પત્નીને પકડવા તેના પગ તરફ વધી, “મમ્મી આ શું છે?” એમ પૂછતા પૂછતા તેના પગ જોરથી પકડી લીધા અને આ હુમલાથી અજાણ મારી પત્નીના હાથમાંથી ગરમ ચા નો અભિષેક મારી દીકરી પર થઈ ગયો…
ગરમ ચા ઢોળાવાથી તે રડવા લાગી, અને બધાંય તેની સેવામાં લાગી ગયા….બર્નોલ, ઘી થી લઈ ડોક્ટર સુધી પ્રોગ્રામ થયો…..અને છેલ્લે ઈલાજ પછી ઘરે પાછા ફરતા હતા કે તેના માથા પર, કપાળ પર જ્યાં ચા ઢોળાયો હતો ત્યાં હાથ કરી તે કહે “પપ્પા આ શું છે?”
મેં કહ્યું “હાર્દી ને બાઉ થયુ છે ને ?…ત્યાં ન અડાય”
પોતાની તરફ આંગળી કરીને કહે “પપ્પા આ શું છે?” …..
હવે હું તેના સવાલોને અવગણી શક્તો નથી, કારણ કે તેના છેલ્લા આ શું છે નો જવાબ મેં હજી તેને આપ્યો નથી
—–
મારી વહાલસોઈ દીકરી સાથેના મારા અનુભવો લખવા બેસું તો આવા કાંઈ કેટલાય પાના ભરાય … મારો આ પ્રયત્ન કેવો લાગ્યો તે જરૂરથી કહેશો…
જીગ્નેશ અધ્યારૂ (www.adhyaru.wordpress.com)