ઓશો પ્રવચનોમાંથી…

વૃધ્ધ માણસથી પાર પડવું મુશ્કેલ છે. તેને કાંઇપણ ખબર નથી, પરંતુ તે સમજે છે કે તેને બધી જ ખબર છે.


મનુષ્યને ઘડવામાં મહિનાઓ લાગી જાય છે, તૂટી જવામાં ક્ષણ પણ નથી લાગતી.


એક ઘરમાં બે દિકરા હોય અને બેમાંથી એક બુધ્ધિહીન અથવા તદન સામાન્ય હશે તો તે આજ્ઞાંકિત હશે, કારણ કે આજ્ઞા તોડવામાં બુધ્ધિની જરૂર પડે છે. ‘હા’ કહેવામાં બુધ્ધિની શી જરૂર પડે છે? ‘ના’ કહેવામાં બુધ્ધિની જરૂર પડે છે, કારણ કે ના કહેવા માટે કારણો શોધવા પડે છે, તર્ક-દલીલ કરવા પડે છે. પિતાને થશે કે આજ્ઞાંકિત પુત્ર મારૂ સદભાગ્ય છે, પણ પિતાને એ ખબર નથી કે એ દિકરો તદન નમાલો છે, મૃતપાય છે. એનામાં ઉત્સાહ કે ઉમંગ નથી.
                                  સમાજ પાસે બે રસ્તા છે. જો જિંદગી ભૂલ ભરેલી હોય તો જિંદગી બદલવી જોઇએ અથવા તો એ ભૂલ ભરેલી જિંદગી સાથે સમાધાન કરી લે. ભારતે બીજો રસ્તો પકડ્યો છે. જેવી સ્થિતી હોય તેનાથી સંતોષ માનવાનો, એને બદલવાનો પ્રયત્ન નહિ કરવાનો.


ભવિષ્ય માટે આપણે આશાવાદી થઇ શકતા નથી, કારણ કે આપણે નિષ્ક્રિય પ્રજા છીએ. ભવિષ્ય માટે એ જ પ્રજા આશાવાદી બની શકે કે જે સર્જન કરવામાં, ઉત્પાદનમાં, કાર્યમાં, શ્રમ કરવામાં આસ્થાવાન હોય, તત્પર હોય.
                                                                હવે (રાજકીય) પાર્ટીઓ વધતી જવાની. દસ વર્ષમાં આપણે ત્યાં સરમુખત્યારશાહી અથવા તો મિશ્ર સરકાર સિવાય બીજો કોઇ વિકલ્ય રહેશે નહિ. પાર્ટી રૂલ તમને ક્યાં લઇ આવ્યું છે? હવે તો સરખી શક્તિશાળી દસ પાર્ટીઓ થઇ જશે, એટલે પછી સરકાર રોજ બદલાશે. ભારત જેવા ગરીબ દેશને જો સરકારો રોજ બદલતી રહે તો સોદો મોંઘો પડશે… આજે નહિ તો કાલે તમારે મિશ્ર સરકાર પસંદ કરવી જ પડશે. (રજનીશનાં ઓગસ્ટ-૧૯૬૯નાં પ્રવચનમાંથી)
                                             બુધ્ધિશાળી વ્યક્તિ પરંપરાગત બની શકે નહિ, તે સતત ભૂતકાળની પૂજા કરી શકતી નથી, ભૂતકાળમાં પૂજવા જેવું કશું નથી. બુધ્ધિશાળી વ્યક્તિ; ભવિષ્યનું નિર્માણ કરવા માંગે છે. વર્તમાનમાં જીવવા માંગે છે. તેનું વર્તમાનમાં જીવવું એ જ ભવિષ્યનું નિર્માણ કરવાની તેની રીત છે.
                                         યાદ રાખો, તમામ માન્યતાઓ મૂર્ખામી છે. હું એવું નથી કહેતો કે, આ માન્યતાઓ મૂળભૂત પણ અસત્ય છે – તે કદાચ ના પણ હોય, અને હોય પણ ખરી – પરંતુ માનવું એ મૂર્ખામી છે. જાણવું એ બુધ્ધિગમ્ય છે.


તમે ક્યારેય પણ ઇશુ કે ગૌતમ બુધ્ધ બનવાનાં નથી. તમે કેવળ તમે જ બનશો. તમે કોઇ બીજાની કાર્બન કોપી નથી. બીજા ઇશુ કે બુધ્ધ બનવું તે બહુ કુરૂપ હશે. તે તમારા મનુષ્યત્વનું ઘોર અપમાન હશે. મનુષ્ય; ગરિમા એટલા માટે જ ધરાવે છે, કારણ કે મનુષ્ય; મૌલિકતા ધરાવે છે… તમારી જાતનો આદર કરો, તમારી જાતને પ્રેમ કરો. કારણ કે તમારી જેવી વ્યક્તિ; ક્યારેય હતી નહિ, અને તમારી જેવી વ્યક્તિ; ક્યારેય થશે નહિ. તમારે કોઇક બીજા જેવા બનવાની જરૂર નથી. તમારે નકલખોર બનવાની જરૂર નથી. તમારે અધિકૃતપણે તમારી જેવા, તમારા પોતાનાં અસ્તિત્વ જેવા બનવું જોઇએ. તમારે તમારી પોતાની ચીજો જ કરવી જોઇએ.
                                                        લોકો; પોતાની જાત ઉપર દમન કરે છે, બીજાને પણ શક્ય એટલી યાતના પહોંચાડે છે. ધર્મનાં નામ પર, નૈતિકતાનાં નામ પર, રાષ્ટ્રીયતાનાં નામ પર લોકો એકબીજાનું દમન કરે છે. દરેક રોગગ્રસ્ત ચીજ માટે સુંદર નામો શોધવામાં આવ્યા છે. આવા પાગલપનનું નામ છે: રાષ્ટ્રીયતા. આવા પાગલપનનું નામ છે: નૈતિકતા.


ભારતે ગાંધીથી છૂટકારો મેળવવો પડશે, નહીંતર તે ધનિક બની શકશે નહીં… તેઓ ગરીબ માણસને દરીદ્રનારાયણ કહે છે. તેઓ કહે છે કે ગરીબ મનુષ્ય; ઇશ્વર છે. ગરીબ મનુષ્ય દિવ્ય છે. તેમનું શિક્ષણ એવું છે કે, ધનિક માણસ હોવું તે ખોટુ છે, ગરીબ હોવું સાચુ છે. તેમનાં મતે, ગરીબાઇમાં કોઇક પ્રકારની આધ્યાત્મિકતા રહેલી છે… ગરીબને બિરદાવો છો, એટલે એમનો અહમ વધે છે, પોષાય છે. આથી ગરીબ લોકો ગાંધીની પૂજા કરતા રહે છે; દરેક ગામમાં તેમનું બાવલુ છે… ગરીબાઇમાં કશું આધ્યાત્મિકતા નથી. ગરીબાઇ કુરૂપ છે… અનેક પ્રકારનાં પાપ અને ગુનાઓ સર્જાય છે. ગરીબ માણસની પ્રશંસા કરવી ના જોઇએ, તેને સભાન બનાવવો જોઇએ કે: ‘કાંઇક કરો અને તમારી ગરીબાઇમાંથી બહાર આવો.”
મારો અભિગમ બિલકુલ સ્પષ્ટ છે, પરંતુ દેશની જુનવાણી માનસિકતા સાંભળવા તૈયાર નથી. લોકો મારી પાસે આવીને કહે છે, ‘તમે ભારતની ગરીબાઇ માટે શું કરો છો? તમે દવાખાના કેમ ચલાવતા નથી? તમે આશ્રમમાંથી મફત ભોજનનું વિતરણ કેમ કરતાં નથી?’
આ બધુ દસ હજાર વર્ષોથી થતું આવ્યું છે. આશ્રમો દસ હજાર વર્ષોથી મફત ભોજનનું વિતરણ કરતા આવ્યા છે. તેનાંથી કોઇ ફાયદો થયો નથી. એક વધુ આશ્રમ; મફત ભોજનનું વિતરણ કરશે તો તેનાંથી શો ફાયદો થવાનો?…
આ મારો અભિગમ નથી. હું સમસ્યાની જડને જ કાપવા માંગુ છું. ધ્યાન (જાગૃતિ) દ્રારા; લોકોની અંધશ્રધ્ધા, માન્યતાઓ ખતમ કરી વધુ બુધ્ધિશાળી લોકો પેદા કરવાં, વધુ સતર્ક લોકો પેદા કરવાં, જેથી તેઓ દેશની અને વિશ્વની મોજૂદ વાસ્તવિક પરિસ્થિતિ પ્રત્યે વધુ જવાબદારીપૂર્વક વર્તી શકે.


વૃધ્ધિ પામવાની ઝંખના જેટલી મોટી હશે, એટલા વધુ ને વધુ ખતરાઓ હશે. તેનો સ્વીકાર કરવો જ રહ્યો. સાચો મનુષ્ય; પોતાની જીવનશૈલીની માફક, પોતાની વૃધ્ધિની આબોહવાની માફક, ખતરાઓને સ્વીકારે છે.